#Blog

ગૌ સન્માન આહ્વાન અભિયાનમાં તન –મન-ધનથી જોડાવા ડો. વલ્લભભાઈ કથીરિયાની અપીલ

7મે ના રોજ તાલુકા સ્થાને એકત્ર થઈ મામલતદારશ્રીને પ્રાર્થનાપત્ર આપવા જોડાઈએ

રાષ્ટ્ર અને ભારતીય સંસ્કૃતિના રક્ષણ તથા સંવર્ધન અર્થે ગૌમાતાને સેવા, સુરક્ષા અને સન્માન પ્રાપ્ત થાય તેવા પવિત્ર હેતુ સાથે સમગ્ર દેશમાં ચાલી રહેલા “ગૌ સન્માન આહ્વાન અભિયાન”ને વધુ વ્યાપક જનજાગરણ અભિયાન બનાવવા ડો. વલ્લભભાઈ કથીરિયાએ રાજ્યના તમામ નાગરીકોને તન-મન-ધનથી જોડાવા હાર્દિક અપીલ કરી છે.
ડો.કથીરિયાએ જણાવ્યું કે ગૌમાતા ભારતની આર્થિક, કૃષિ, આરોગ્ય અને આધ્યાત્મિક પરંપરાનો આધારસ્તંભ છે. ગૌ આધારિત કૃષિ, ઓર્ગેનિક ખેતી, પંચગવ્ય ઉત્પાદનો, ગોબર ગેસ અને ગૌમૂત્ર આધારિત ઔષધિઓ જેવા ક્ષેત્રોમાં ગૌમાતાનું મહત્વ અત્યંત વિશાળ છે. ગૌ આધારિત અર્થવ્યવસ્થા ગ્રામિણ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને રોજગારી સર્જનમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. ડો. કથીરિયાએ વધુમાં જણાવ્યું કે “ગૌ સન્માન આહ્વાન અભિયાન” માત્ર ભાવનાત્મક અભિયાન નથી, પરંતુ સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી દૃષ્ટિકોણથી ગૌમાતાના મહત્વને સ્થાપિત કરવાનો એક સશક્ત પ્રયાસ છે.
આ અભિયાન દ્વારા દેશના દરેક વર્ગના લોકોમાં ગૌ સેવા અને ગૌ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવીને ગૌમાતાને યોગ્ય સન્માન અપાવવાનો સંકલ્પ લેવડાવવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં શાંતિપૂર્ણ અને રચનાત્મક રીતે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં સંકીર્તન યાત્રા, પ્રાર્થના સભા, જનજાગૃતિ અભિયાન અને ગૌ સંવાદ જેવા ઉપક્રમોનો સમાવેશ થાય છે. ખાસ કરીને યુવા શક્તિ, ખેડૂતવર્ગ અને મહિલાઓને ગૌ આધારિત પ્રવૃત્તિઓ સાથે જોડીને આત્મનિર્ભરતા તરફ આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ડો. કથીરિયાએ જણાવ્યું કે આ અભિયાન સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શક અને અહિંસક છે. તેનો કોઈ રાજકીય હેતુ નથી, પરંતુ માત્ર ગૌમાતાના સન્માન અને રાષ્ટ્રહિત માટે સમર્પિત છે.
તેમણે જન સમુદાયને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તાર અને સમાજમાં વધુમાં વધુ લોકો સુધી આ અભિયાનનો સંદેશ પહોંચાડે અને ગૌમાતાના સન્માન માટે એક સશક્ત જનચેતના ઊભી કરે.
અંતમાં, ડો. કથીરિયાએ દેશના સંતો, મહંતો, ગૌશાળાઓ, સામાજિક સંસ્થાઓ, યુવાનો અને તમામ ગૌભક્તોને એકતાથી જોડાઈને ગૌમાતાના હિતમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન ચલાવી રહ્યા છે, તેમને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાતમાં ૭ મે ના રોજ વિશાળ સંખ્યામાં, તાલુકા સ્થાને એકત્ર થઈ શાંત રેલીના રૂપે મામલતદાર કચેરીએ જઇ નિયત સ્વરૂપમાં તૈયાર કરેલ પ્રાર્થના પત્ર આપીએ અને આપણી ગૌ માતા પ્રત્યેનો ભક્તિભાવ અને સંવેદના પ્રદર્શિત કરીએ અને ગૌ સુરક્ષા અને ગૌ સન્માન માટે કટિબધ્ધ બનીએ.
જય ગૌ માતા – વંદે ગૌ માતરમ્

Leave a comment

Your email address will not be published. Required fields are marked *